કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિવાદિત નાગરિકતા સંશોધન કાયદાને લઈને કહ્યું કે કાયદાને 130 કરોડ નાગરિકોનું સમર્થન મળ્યું છે. ભાજપના ચૂંટણી મેનિફેસ્ટોમાં જણાવ્યું હતું કે ભાજપ હજુ પણ અનેક એવા નિયમોનો અમલ કરી શકે છે જેને લઈને વિવાદ થઈ શકે છે.
- ભાજપે ચૂંટણી મેનિફેસ્ટોમાં જણાવી છે આ વાત
- મોદી સરકાર લઈ શકે છે આ મોટા નિર્ણય
2019માં સત્તામાં આવવા માટે ભાજપે પોતાના ચૂંટણીના મેનિફેસ્ટોમાં કેટલીક બાબતોને લઈને વાત કરી હતી. શક્ય છે આ વાત પર હવે મોટા નિર્ણય લેવામાં આવે.
ત્રિપલ તલાક
જુલાઈમાં સંસદમાંથી ત્રિપલ તલાકને ખતમ કરવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું હતું, જેના દ્વારા મુસ્લિમ સમાજને એક સાથે ત્રણ વાર છૂટાછેડા બોલીને છૂટાછેડા લેવાની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2017 માં સુપ્રીમ કોર્ટે ત્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યો. 2019 ની ચૂંટણીમાં ભાજપે તેના ઠરાવ પત્રમાં વચન આપ્યું હતું કે તે "ત્રિપલ તલાક અને હલાલા નિકાહની પ્રથાને નાબૂદ કરવા માટે એક કાયદો લાવશે".
કલમ 370
ઓગસ્ટમાં મોદી સરકાર દ્વારા નાટકીય રીતે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવાની જાહેરાત કરી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધું. કલમ 37૦ નાબૂદ કરવું એ પણ ભાજપનું ચૂંટણી વચન હતું. લોકસભા ચૂંટણી 2019 ના મેનિફેસ્ટોમાં બીજેપીએ કહ્યું હતું કે, "અમે જનસંઘના સમયથી કલમ 37૦ રદ કરવાના આપણા અભિગમને પુનરાવર્તિત કરીએ છીએ".
રામ મંદિર
નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં વિવાદિત જમીનના રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ નિર્ણય પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના એક સંબોધનમાં કહ્યું હતું કે "આ નિર્ણયથી એક નવી સવારનો જન્મ થયો છે". તેના ચૂંટણી મેનિફેસ્ટોમાં, બીજેપીએ પણ રામ મંદિર વિશે વચન આપ્યું હતું કે તે "બંધારણના કાર્યક્ષેત્રની અંદરની બધી સંભાવનાઓનું અન્વેષણ કરશે અને અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા તમામ પ્રયત્નો કરશે".
નાગરિકતા સંશોધન બિલ
આ જ મહિનામાં સંસદે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ભારતમાં આવતા બિન-મુસ્લિમ લઘુમતીઓને ભારતીય નાગરિકત્વ આપવાના બિલને મંજૂરી આપી હતી. ભાજપે તેના ચૂંટણી મેનિફેસ્ટોમાં "પડોશી દેશોમાં સતાવણી સહન કરતી ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા માટે" કાયદો ઘડવાનું વચન આપ્યું હતું. જે ભાજપે પૂર્ણ કર્યું છે. હવે એવા મુદ્દાઓ પર વિચાર કરીએ કે જે ભાજપના મેનિફેસ્ટોમાં હતા અને જેના આધારે ભાજપ આગળ વધી શકે.
સમાન નાગરિક સંહિતા
ભાજપે પોતાના સમાન નાગિરક સંહિતા (Uniform Civil Code)ને લઈને પણ ચૂંટણી સમયે વાયદો કર્યો હતો. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ભારતના બંધારણના આર્ટિકલ 44માં રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો હેઠળ સમાન નાગરિક સંહિતાની જોગવાઈ છે. ભાજપનું માનવું છે કે ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ન થાય ત્યાં સુધી લિંગ સમાનતા નહીં આવે. તે તમામ મહિલાઓના અધિકારોનું રક્ષણ કરે છે અને ભાજપ સમાન નાગરિક સંહિતા લાવવાના પોતાના સંકલ્પને પુનરાવર્તિત કરે છે.
આખા દેશમાં NRC લાગુ
ભાજપના મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે ગેરકાયદેસર સ્થળાંતરને લીધે, ઘણા વિસ્તારોમાં વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક અને ભાષાકીય ફેરફારો થયા છે, જેના કારણે સ્થાનિક લોકોની આજીવિકા અને રોજગાર પ્રભાવિત થઈ રહ્યા છે. અમે આ ક્ષેત્રોમાં પ્રાધાન્યતા સાથે રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝનશીપ તૈયાર કરીશું. ભવિષ્યમાં દેશના અન્ય ભાગોમાં પણ એનઆરસી લાગુ કરવામાં આવશે.

0 comments: