પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ઊંઝા ખાતે તેઓના કુળદેવી ઉમિયા માતાના ધામમાં લક્ષચંડી યજ્ઞમાં પાટલો નોંધાવ્યો હતો. હાર્દિક પટેલ અને તેમના પત્ની કિંજલ પટેલ લક્ષચંડી યજ્ઞમાં બેસવાના હતા.
જો કે હાર્દિક પટેલને જયારે જામીન મળી ત્યારે કોર્ટે તેઓને મહેસાણા જિલ્લામાં પ્રવેશ બંધી ફરમાવી હતી. આથી હાર્દિક પટેલ છેલ્લા ૨ વર્ષથી મહેસાણા જિલ્લામાં પ્રવેશ્યા નથી. ત્યારે આગામી તારીખ 15 થી 24 ડિસેમ્બર સુધી મહેસાણામાં યોજાનારા ઉમિયા માતાના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાની હોવાથી મંજૂરી માગતી અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે, વિસનગર કેસમાં કોર્ટે હાર્દિક પટેલના મહેસાણામાં પ્રવેશ પર રોક લગાવી છે.
હાર્દિક પટેલની આ અરજી હાઈકોર્ટે ફગાવતા હવે તે લક્ષચંડી યજ્ઞમાં ઉપસ્થિત નહીં રહી શકે જયારે કે તેમના પત્ની કિંજલ પટેલ આ યજ્ઞમાં જોડાશે. આ અંગે હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે ટ્વીટ કરીને લખ્યું છે કે મહેસાણા જીલ્લામા અમારી કુળદેવીના મંદિરના ઐતિહાસિક લક્ષચંડી યજ્ઞ છે. આ મહાયજ્ઞમા મારે મારા પતિ સાથે બેસવાનું હતું પરંતુ ભાજપ સરકારે હાર્દિકને મહેસાણા જીલ્લામા ફરમાવેલી પ્રવેશબંધી કરીને મહાયજ્ઞમા સામેલ થતા રોક્યા છે. તેથી હું એકલી કુળદેવીના ઐતિહાસિક લક્ષચંડી યજ્ઞમા સામેલ થઈ છું.
અગાઉ હાર્દિક પટેલે પણ આ અંગે કહ્યું હતું કે, ”પાટીદાર સમાજની કુળદેવી શ્રી ઉમિયા માતાજી- ઉંઝા સંસ્થા દ્વારા તારીખ ૧૮ ડિસેમ્બર થી ૨૨ ડિસેમ્બર સુધી ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે. આ લક્ષચંડી યજ્ઞ માં સમગ્ર ભારતમાંથી માં ઉમિયાના ભાવીભક્તો ઉપસ્થિત રહેવાના છે.
આ લક્ષચંડી મહાયજ્ઞમાં હું એટલે કે હાર્દિક કુમાર ભરતભાઈ પટેલ યજમાન તરીકે જોડાયો છું. પરંતુ સરકારની કિન્નાખોરીના કારણે છેલ્લા ચાર વર્ષથી મહેસાણા જિલ્લા માં મને પ્રવેશ ના મળતો હોવાથી આ મહાયજ્ઞ માં હું જોડાઈ શકું તેમ નથી, અને મારી ધાર્મિક લાગણીઓને દુભાવાનું કામ સરકાર કરી રહી છે.
માતાજીના કામ માં ઘણા વિઘ્નો આવે છે પરંતુ હું અને મારુ પરિવાર હાર માનવાના નથી. લક્ષચંડી મહાયજ્ઞ ના યજમાન બન્યા હોવાથી અમારે યજમાન તરીકે હાજર રહેવું ખુબ જ જરૂરી છે. તેવા સંજોગમાં મેં તથા મારી ધર્મપત્ની કિંજલ પટેલે નક્કી કર્યું છે કે લક્ષચંડી મહાયજ્ઞ માં મારી ધર્મપત્ની કિંજલ પટેલ મારા નામનું શુભ અને ધાર્મિક કુંભ લઈને મહાયજ્ઞ ના યજમાન બની રહેશે. મારી હાજરી શુભ અને ધાર્મિક કુંભ બનશે. જય માં ઉમિયા.


0 comments: